હરિબળગીતા
કડવું – ૪૦
લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી ।
સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી1 ॥૧॥
ઢાળ
ગાથ સુણી ગરીબની, ગુણનિધિ2 ગ્રે’જો બાંય3 ।
મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ॥૨॥
અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ ।
જોઈ બિરુદ4 સામું શ્યામળા, સુખદાયી લેજો સંભાળ ॥૩॥
ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા5 આગે આશ્રિતના ।
તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ॥૪॥
તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર ।
તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર ॥૫॥
જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ ।
તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ॥૬॥
તેહ સારુ હરિ તમને, વળી વળી વિનતિ કરું ।
અવર6 બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરું ॥૭॥
જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગ હાથ ।
દીનબંધુ દીલ ધારજો, નિષ્કુળાનંદના નાથ ॥૮॥ કડવું ॥૪૦॥
પદ – ૧૦
રાગ: મેવાડો (‘અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે’ એ ઢાળ)
નાથજી નિવારો રે દોષ નિજ દાસના રે, જોશો મા અવગુણ મારા જીવન ।
પ્રભુજી સંભારી રે બીરુદ પોતાતણું રે, કરીયે પતિતને રે પાવન... નાથજી૦ ॥૧॥
અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે, થાય નહિ ગણતાં તેનો રે થાપ7 ।
દીનના બંધુ છો રે દીનદયાળજી રે, શરણાગતના હરણ સંતાપ... નાથજી૦ ॥૨॥
આકરી વેળાયે રે આવો છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર ।
સહી ન શકો રે સંકટ સંતનાં રે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર... નાથજી૦ ॥૩॥
સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ ।
નિષ્કુળાનંદ રે કહે નરતન ધરી રે, આવો છો અલબેલા એહ કાજ... નાથજી૦ ॥૪॥ પદ ॥૧૦॥