હરિબળગીતા
કડવું – ૨૭
કોઈક નર થઈ શઠજ્ઞાનીજી,1 રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી ।
નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શક્યા એ અવિદ્યા છાનીજી ॥૧॥
ઢાળ
છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ ।
બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ ॥૨॥
બાંધી મરજાદ બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર ।
મુષો2 જેમ મદિરા3 પીયને, મારવા ઇચ્છે માંજાર4 ॥૩॥
અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની નવ પરખે5 ।
પણ ખદ્યોત ને જેમ ખગ6 ભાનુ,7 તે સમઝાય કેમ સરખે ॥૪॥
જેમ તાડિપી8 તાડે9 ચડે, જાણ્યું પહોંચ્યો હું સહુની પાર ।
પણ ભાંગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર ॥૫॥
જે એક બ્રહ્મ આગમે કહ્યું, તે તો જાણો તાડ સમાન ।
તેથી પડ્યા પ્રાણી કંઈ, નર અસુર નીદાન ॥૬॥
માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ ।
મન કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ ॥૭॥
પ્રભુ સરિખા પ્રભુ જ છે, બીજે થવાય નહી કોઈ રીત ।
નિષ્કુળાનંદ એહ મર્મને, જન ચિંતવી જુવો ચિત્ત ॥૮॥ કડવું ॥૨૭॥