હરિબળગીતા
કડવું – ૩૬
એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમજે ન થવાય સુખીજી ।
જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજ્યા પખીજી ॥૧॥
ઢાળ
સમજ્યા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ ।
પ્રીછવા ન દિયે પાધરું, ભીતરમાં માયાનો ભેગ ॥૨॥
દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહ છો તું દેહ ।
તેહ વિના રૂપ તાહરું, નથી બીજું કહું તેહ ॥૩॥
બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર1 શરીર ।
રોગી અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર ॥૪॥
તું ઉત્તમ મધ્યમ તું, ડાહ્યો ભોળો તું દાસ અદાસ ।
એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ વાસ ॥૫॥
અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર ।
તેમ જ માની તનમાં, સહુ વર્તે છે સંસાર ॥૬॥
પણ ઊંડું વિચારી અંતરે, કેણે ખરી ન કરી ખોળ2 ।
જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ3 ॥૭॥
સાચી વાત નથી સૂઝતી, નથી કરતા તેનો તપાસ ।
નિષ્કુળાનંદ નિર્બળ થઈ, પડિયા માયાને પાશ ॥૮॥ કડવું ॥૩૬॥
પદ – ૯
રાગ: મારૂ (‘દુઃખી દિવસ ને રાત શ્રીજી વિના’ એ ઢાળ)
સમજ્યા વિના રે સંતાપ, શમે નહિ સમજ્યા વિના રે સંતાપ ।
સહુ વિચારો અંતરે આપ... શમે૦ । ટેક
આતમાને એકે નહિ રે, નાત જાત માઈ બાપ ।
એ તો સંબંધી શરીરનાં રે, પ્રીછી પરહરિયે પરિતાપ.. શમે૦ ॥૧॥
માનિનતા4 મેલ ઉતારિયે રે, તો ખરી છે નિર્મળ ખાપ5 ।
આડ્ય ન કરે આંખ્યને રે, થાય ઠીકો ઠીક જ થાપ6... શમે૦ ॥૨॥
હીરા જડાવિયે આંખ્યને રે, પૂર્ણ વડગે એ પાપ ।
રંગ ચડ્યે પોત7 પલટે8 રે, સહુ છેતરાય દેખી છાપ9... શમે૦ ॥૩॥
એમ આત્માથી અડગો10 રહી રે, શરીરરૂપી પાળ્યો સાપ ।
નિષ્કુળાનંદ એ નરસું થયું રે, ગયું તેજ રહ્યું તમ વ્યાપ... શમે૦ ॥૪॥ પદ ॥૯॥