હરિબળગીતા
કડવું – ૪૪
હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી ।
સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ॥૧॥
ઢાળ
મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી ।
સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી ॥૨॥
પુષ્ટિ છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી ।
હાર્યાને હિંમત આવશે, અપો’ચ1 ટળશે આપણી ॥૩॥
લડથડતાંને લાકડી, કાજુ2 આપી છે કરમાંઈ ।
ભોંયે પડ્યાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ ॥૪॥
હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર ।
આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ॥૫॥
ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે ।
મોળપ3 મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે ॥૬॥
એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસેં એનાં ચરણ છે ।
નિર્બળ સબળ સંતને, સદા એહ સુખકરણ છે ॥૭॥
સંવત અઢાર અઠાણુંનો, માસ પુરુષોત્તમ પુન્યમ દને ।
નિષ્કુળાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમજી મને ॥૮॥ કડવું ॥૪૪॥
પદ – ૧૧
રાગ – ધોળ (‘પામ્યા પામ્યા રે ભવજળ પાર’ એ ઢાળ)
મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી ।
સારી પેઠ્યે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ॥૧॥
મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું ।
કહ્યું અંતર ઉપજ્યું એમ, સમઝવા સારું થયું ॥૨॥
થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે ।
સમે અંતર તાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે4 ॥૩॥
દમે સમજ્યા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી ।
મેલી મહી5 વલોવતાં નીર, પ્રાપતિ સઈ6 છેલ્લી ॥૪॥
છેલ્લી સમજણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે ।
જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ॥૫॥
આણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી ।
વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ॥૬॥
મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરી ફરી મળતો નથી ।
નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ॥૭॥
કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો ।
લેજો નિષ્કુળાનંદનો વિચાર, સુંદર સારો છે જો ॥૮॥ પદ ॥૧૧॥
ઇતિ શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણા ।
હરિબળગીતા સમાપ્તા