હરિબળગીતા
કડવું – ૨૦
પ્રાચીનબર્હિ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી ।
અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે અરજી કીધીજી ॥૧॥
ઢાળ
અરજી કીધી અધિપતિ, સુણી આવીયા નારદ સોય ।
ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય ॥૨॥
ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર ।
તે વાટ જુએ છે સ્વર્ગમાંહિ, તને તેમ જ કરવા ત્યાર ॥૩॥
કે’ છે અસમર્થ જાણી અમને, એણે જોરે તે લીધો જીવ ।
અર્થ1 સાર્યો આપણો, એણે કાપી અમારી ગ્રીવ2 ॥૪॥
એહ તું નથી તપાસતો, જજ્ઞ સારુ ગોતે છે જાગ ।
એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ ॥૫॥
એવું સુણી નારદથી, ભૂલ્ય મૂકી દીધી ભૂપાળ ।
યજ્ઞનું ફળ જોઈને, તેમ જ કર્યું તત્કાળ ॥૬॥
માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર ।
જેમ લાગે3 લાલ માલ4 નહિ, જેવાં શિયાળ બગાંમણાં5 બોર ॥૭॥
સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદે રાખવું હરિ ઉપરાળ6 ।
નિષ્કુળાનંદ એહ વારતા, છે સુખદાયી સદાકાળ ॥૮॥ કડવું ॥૨૦॥
પદ – ૫
રાગ – સોરઠા (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)
સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય ।
દૃઢ ભરોંસો ધર્મનંદનનો, અતિ અંતરમાંઈ આણ્ય... સુખ૦ ॥૧॥
પ્રથમ પો’ચ7 પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન ।
એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન... સુખ૦ ॥૨॥
જેમ મેઘ જીવાડે મેદિની,8 વળી અર્ક9 ટાળે અંધાર ।
એવું કામ કોયથી રે, જોને નવ થાય નિરધાર... સુખ૦ ॥૩॥
તેમ જે નીપજે10 જગદીશથી, તે ન નીપજે જીવથી જાણ્ય ।
નિષ્કુળાનંદ ન કીજીયે રે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય11... સુખ૦ ॥૪॥ પદ ॥૫॥