હરિબળગીતા
કડવું – ૩૧
કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમજણ અજ્ઞાનજી ।
પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ॥૧॥
ઢાળ
સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય ।
જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય ॥૨॥
પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ ।
નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ॥૩॥
જુવો વળી આ જક્તમાં, હરિજશ સૂણે છે હેતે કરી ।
કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી ॥૪॥
એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે ।
અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ॥૫॥
પતિતને1 પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી2 ।
એહ પખી3 પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી ॥૬॥
એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ ।
ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ॥૭॥
જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે ।
નિષ્કુળાનંદ એ નક્કી કરવું, એહ જ સારો વિવેક છે ॥૮॥ કડવું ॥૩૧॥