હરિબળગીતા
કડવું – ૩૨
જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી ।
પામે મોટપ જપતાં જંતજી,1 એમ સમઝીને સમરે છે સંતજી ॥૧॥
ઢાળ
સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ ।
શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ ॥૨॥
ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર ।
પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર ॥૩॥
ધ્રુવ પ્રહ્લાદ ને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક ।
પાણી ઉપર પાષાણ તર્યા, તે પણ નામને અંક2 ॥૪॥
મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ ।
રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ ॥૫॥
જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફૂલ વન પાન ।
એમ દમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન ॥૬॥
મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ ।
તેણે કરી એકતાર અંતરે, સમરે છે જો સદાઈ ॥૭॥
એવો મહિમા મૂર્તિ તણો, પ્રીછવ્યો3 બહુ પ્રકાર ।
નિષ્કુળાનંદ એ વારતા, નક્કી છે નિરધાર ॥૮॥ કડવું ॥૩૨॥
પદ – ૮
રાગ – ધોળ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાય4 રે ।
અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાય રે... જેની૦ ॥૧॥
જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટ રે ।
જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટ રે... જેની૦ ॥૨॥
જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાન રે ।
જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાન રે... જેની૦ ॥૩॥
એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહર રે ।
નિષ્કુળાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભર રે... જેની૦ ॥૪॥ પદ ॥૮॥