હરિબળગીતા
કડવું – ૨૯
જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી1 ।
જેની કીર્તિ સુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ॥૧॥
ઢાળ
મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરૂર ।
મંગળકારી મૂરતિ, અમંગળ કરે દૂર ॥૨॥
જેના દર્શન સારુ દેવતા, વળી ઇચ્છે છે રહી આકાશ ।
રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ॥૩॥
સદાય સુખી સુર2 રહે, ખાન પાનની નહીં ખોટ ।
પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ3 ॥૪॥
વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખ સમાજ ।
શીત ઉષ્ણ સહન કરે, તે હરિ દર્શન કાજ ॥૫॥
એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરિનું હોય ।
બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય ॥૬॥
એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ ।
જીવનમુક્ત4 તેહ સહી, છતી5 દેહે એહ છાપ6 ॥૭॥
બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ ।
નિષ્કુળાનંદ નિર્ભય પદ, પામશે એ ભક્તરાજ ॥૮॥ કડવું ॥૨૯॥