હરિબળગીતા
કડવું – ૧૧
વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુ બહુ કર્યું મોરે ઋષિરાજજી ।
મોટે મોટે મહીશે1 મૂક્યાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી2 ॥૧॥
ઢાળ
તજ્યાં સુખ સંસારનાં, ભજ્યાં શ્રી ભગવન ।
એની રીત સુણી શ્રવણે, થાય ત્રાહિ ત્રાહિ મન ॥૨॥
આરુણી ને ઉપમન્યુ, ઋષિ જાજળી તપસી જેહ ।
પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ ॥૩॥
મયૂરધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ ।
સમસ્ત બરેજ ને શેખ ફરીદ, મનસૂર ને બાજિંદ ॥૪॥
એહ આદિ અનેક બીજા, ઘણું રાજી કરવા ઘનશ્યામ ।
સુખ તજ્યાં શરીરનાં, અન્ન ધન ધરા ત્રિયા3 ધામ4 ॥૫॥
પંચ વિષયને પરહરી, થયા અરિ5 મન ઇંદ્રિ તણા ।
પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ॥૬॥
ખોટ ન આણી ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ ।
તનસુખથી મન ઊતર્યું, ઠર્યું નહિ ચિત્ત ક્યાંઈ ॥૭॥
એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહિ ।
નિષ્કુળાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી ॥૮॥ કડવું ॥૧૧॥