હરિબળગીતા
કડવું – ૨૫
જ્યારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે નોરજી1 ।
અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી2 ॥૧॥
ઢાળ
ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો3 માલ ।
તેમ અંતર અરિ ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ ॥૨॥
પછી મુખે દીનપણું દાખવે, વળી મને માને નિરધન ।
વરતે તો પણ તેજ વિના, એમ રાંક રહે રાતદન ॥૩॥
જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ ।
જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે, આપણો4 અપજશ ॥૪॥
ઝાંખપ આવી જે જીવમાં, તે તો કેમ કરી કરે ત્યાગ ।
રાતદિન ફડકો રહે, જેમ તસ્કર5 ઉપર કાગ ॥૫॥
આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ ।
એણે કરી રહે અભાગિયો, નવ મનાયે નિષ્પાપ ॥૬॥
એક પ્રભુને પરહરી, જણાવે પોતાનું જોર ।
તે તો સો સો ઉડુ6 ઉગે સામટા, પણ ભાષ્કર7 વિના ન હોય ભોર8 ॥૭॥
તેમ જે જે થાય જગદીશથી, તે તે ન થાય નર અમર થકી ।
નિષ્કુળાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી ॥૮॥ કડવું ॥૨૫॥