હરિબળગીતા
કડવું – ૪૧
કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મૂકી નિજ ધામજી ।
તે તો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને ઠામજી1 ॥૧॥
ઢાળ
ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને ।
તેહ સારુ અવનિયે આવો, નાથ ધરી નર તનને ॥૨॥
હાજર છો હરિજનનાં, કષ્ટ કાપવા કરુણાનિધિ ।
નિમિષ એક નથી રે’તા ન્યારા, કરો છો રક્ષા બહુ વિધિ ॥૩॥
બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ લિયે ખબર ।
તેહ થકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર ॥૪॥
સંતના શત્રુ સંહારવા, તતપર રો’ છો તૈયાર ।
અંતર બારે અરિ ભક્તના, સદ્ય2 કરો છો સંહાર ॥૫॥
હરિજનને હંમેશ હજારું, વિઘન કરે છે વિબુધ3 ।
તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે4 ચાર આયુધ ॥૬॥
ધન્ય ધન્ય સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ ।
સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના કાળ ॥૭॥
હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ ।
નિષ્કુળાનંદના નાથજી, વાલમ મારા વિશ્રામ5 ॥૮॥ કડવું ॥૪૧॥