હરિબળગીતા
કડવું – ૪૩
તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી ।
નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી ॥૧॥
ઢાળ
મન બીજે નથી માનતું, રે’ છે તમારા ચરણમાં ચિત્ત ।
દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ॥૨॥
સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ ।
મિટ1 થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ2 ॥૩॥
અન્ય ભરોસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર ।
તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ॥૪॥
સર્વેના કારણ સમજી, સમરે છે શ્વાસ ઉશ્વાસ ।
મોક્ષાદિ નથી માગતા, રે’ છે ચતુરધાથી ઉદાસ ॥૫॥
નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર3 મને ઘણી ।
એવા જન જોઈ આપણા, તમે કરો રક્ષા તેહ તણી ॥૬॥
તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત ।
તેનાં પાળો છો લાડ4 તમે, શ્રીહરિ જો રૂડી રીત ॥૭॥
આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન ।
નિષ્કુળાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ॥૮॥ કડવું ॥૪૩॥