સારસિદ્ધિ

ગ્રંથ મહિમા

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત આ ‘સારસિદ્ધિ’ ગ્રંથ મુમુક્ષુઓ માટે ઘણો જ ઉત્તમ છે. કેમ કે, તેમાં સાર-સારનું સંશોધન કરી તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

સાર એટલે શ્રેષ્ઠ વસ્તુ. સારની સિદ્ધિ એટલે હેતુપૂર્વક સારનું પ્રતિપાદન. તત્ત્વની દૃષ્ટિએ જે કાંઈ સારરૂપ તત્ત્વો છે, તેની આ ગ્રંથમાં સિદ્ધિ કરવામાં આવી છે. એટલે साराणां सिद्धिः यस्मिन् આ રીતે સારસિદ્ધિ એ સાર્થક નામ છે.

વચનામૃત ગઢડા પ્રથમ ૭, ગઢડા મધ્ય ૩૧, અને ગઢડા અંત્ય ૧૦ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પાંચ અનાદિનાં તત્ત્વો ગણાવ્યાં છે: (૧) જીવ (૨) ઈશ્વર, (૩) માયા, (૪) બ્રહ્મ અને (૫) પરબ્રહ્મ. જીવ અને ઈશ્વર માયાથી બદ્ધ તત્ત્વો છે. માયા તત્ત્વ જડ છે, અહં-મમત્વ કરાવનારી છે અને બંધનકારી છે, માટે તે અસાર છે. માયા પરનાં બે જ અનાદિ તત્ત્વો છે: અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. જીવને અને ઈશ્વરને પુરબ્રહ્મ પામવા માટે, અક્ષરરૂપ થવા માટે અક્ષરબ્રહ્મ તત્ત્વ જરૂરી છે. પામવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય એક પુરુષોત્તમ નારાયણ જીવનનો ધ્યેય અને સાર છે તે સત્ય વાતનું નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં બહુ સારી રીતે પ્રતિપાદન કર્યું છે. અને જે સંતને એક હરિ સીવાય બીજું કાંઈ સાર નથી તેવા સંતનો મહિમા પણ વર્ણવ્યો છે.

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી ।
હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી ॥ (૩૧/૧)

આવા સારના સારરૂપ શ્રીહરિને રાજી કરવા તથા તેમાં અખંડવૃત્તિ રાખવા માટે જે જે ગુણો ખાસ જરૂરી છે તેને પણ સ્વામીએ સાર સ્વરૂપે આ ગ્રંથમાં વર્ણવ્યા છે. તેમાં આ તુચ્છ માયામાંથી જીવની વૃત્તિ પાછી વાળવા માટે તીવ્ર વૈરાગ્યનું શરૂઆતમાં જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તેમના અંગ પ્રમાણે વૈરાગ્યનું અતિ ધારદાર શબ્દોમાં વર્ણન કર્યું છે. કુલ ૪૮ કડવાંના આ ગ્રંથમાં ૨૦ કડવાં સુધી વૈરાગ્યનું જ વર્ણન થયું છે.

વૈરાગ્યના વર્ણન બાદ પ્રભુને પ્રસન્ન કરવા ભાવે સહિત ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. ત્યાર બાદ ધર્મનંદન શ્રીહરિનાં વચનરૂપી ધર્મને વર્ણવ્યો છે. તેને પાળવાથી સુખ તથા લોપવાથી દુઃખ મળે છે. તેથી જીવનનાં દરેક કાર્ય ધર્મમાં રહેતાં થકાં જ કરવાં એવી ટકોર કરી છે.

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે: સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે... (સ્વામીના વાતું ૧/૨૯૮). જેને પ્રગટ પ્રભુનો યથાર્થ મહિમા સમજાય છે, તેનાથી જ વચનમાં વર્તાય છે અને તેનાથી જ સમયે-સમયે નિષ્કામ સેવા-ભક્તિ થાય છે. એટલે ભગવાનનો મહિમા સમજવો અતિ આવશ્યક છે. તે માટે મહારાજના મહિમાનું પણ આ ગ્રંથમાં સુંદર પ્રતિપાદન કર્યું છે. આ ધર્માદિક ચારેય બાબત શ્રીહરિના સાચા સંત થકી જ જીવનમાં આવે છે. તેથી સાચા સંતનો મહિમા તથા તેનાં લક્ષણો પણ આ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યાં છે. સાથે સાથે અસંત પણ ઓળખાવ્યા છે.

આમ, આ સારસિદ્ધિમાં મુખ્યપણે પાંચ બાબતનું સારરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે: (૧) પ્રગટ પ્રભુની આજ્ઞારૂપ નિષ્કામ ધર્મ, (૨) વૈરાગ્ય, (૩) ભક્તિ, (૪) આત્મજ્ઞાન તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા અને (૫) સાચા સંતને ઓળખીને તેનો પ્રસંગ.

નિષ્કુળાનંદ સ્વામીની દિવ્યદૃષ્ટિએ પુરુષોત્તમને પ્રસન્ન કરવા તથા પામવા માટે આ પાંચ સર્વશ્રેષ્ઠ સાર વસ્તુ છે. એટલે જ તેમણે અંતે આશીર્વાદ આપ્યા છે કે –

આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત ।
નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત ॥ (૪૮/૧૦)

આ ગ્રંથના છેલ્લા ધોળ પદમાં પ્રગટ પુરુષોત્તમની પ્રાપ્તિનો જે કેફ છલકાઈ રહ્યો છે, તે હરકોઈ મુમુક્ષુ માટે એક આદર્શ સ્થિતિ છે.

કડવું 🏠 home