સારસિદ્ધિ
કડવું - ૧
રાગ: ધન્યાશ્રી
શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી, શું શું જોઈએ આ જીવને સમાજજી1 ।
જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લૈ લેવું આજજી ॥૧॥
રાગ: ઢાળ
શોધી સાર સર્વે તણો, લૈ લેવો લાભ લાલચ્યે કરી ।
આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રીહરિ ॥૨॥
શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ ।
શેષ દિનેશ ને શશી સુરેશ,2 વળી કર્યા રાજી અજ3 ઈશ4 ॥૩॥
જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ ।
તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ ॥૪॥
જેમ મહારત્નની મો’રમાં, 5 અન્ય નાણું છે અતિ ઘણું ।
તેમ હરિ રીઝવતાં સહુ રીઝ્યા, ન રહ્યું કેનું કુરાજીપણું ॥૫॥
જેમ અનંત ઉડુ6 ઉગે અંબરે,7 પણ અર્ક8 વિના રહે અંધેર ।
તેમ હરિ સેવા વિના સમજો, છે નિરર્થક નહિ ફેર ॥૬॥
જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે ।
તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે ॥૭॥
તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ ।
તે તો માથાફર9 ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ ॥૮॥
માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ ।
નકી નિશાન ન ચૂકિયે, સમજી વિચારી શુભ મતિ ॥૯॥
નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી કરી લઈએ વળી ખોજ ।
નિષ્કુળાનંદ તો પામીયે, મનમાની મહારાજથી મોજ ॥૧૦॥