સારસિદ્ધિ

કડવું - ૧૯

રાગ: ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જૂજવા જૂજવા જીવ ધરે અવતારજી ।

દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે1 ન થાય તેનો નિરધારજી ॥૧॥

રાગ: ઢાળ

નિરધાર ન થાય નિગમે, એટલા લીધા અવતાર ।

વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર ॥૨॥

કૈકવાર સત્યલોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ ।

કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન ટળી વિષય સુખ આશ ॥૩॥

કૈકવાર સુરપુર પામ્યો, વિબુધ કન્યા વિમાન ।

કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન ॥૪॥

કૈકવાર સૂર દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત ।

કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની જિત ॥૫॥

કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ ।

કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી ॥૬॥

એમ અનેકવાર પામિયો, ભોમે2 વ્યોમે3 અવતારને ।

પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને ॥૭॥

જેમ મોટા શહેરના મોટલિયા,4 ઉપાડે કાચ કે વળી કોયલા ।

ખાતાં ન ખવાયે કાળપ થાયે, એ કાળા ધોળા જાણો નથી ભલા ॥૮॥

પણ એવું ઇચ્છે છે સહુ અંતરે, નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને ।

તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે ભાગ્યને ॥૯॥

એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ નવ જડ્યો ।

નિષ્કુળાનંદ કહે શું થયું, તાડતળે5 રહ્યો કે ટોચે ચડ્યો ॥૧૦॥

કડવું 🏠 home