સારસિદ્ધિ

કડવું - ૩

રાગ: ધન્યાશ્રી

કોઈક ઇચ્છે રાજ સાજ રિદ્ધિજી,1 કોઈક ઇચ્છે સુરપુર2 પ્રસિદ્ધિજી ।

કોઈક ઇચ્છે મુક્તિ ચઉવિધિજી,3 એમ સુખ સારુ સૌએ દોટ દીધીજી ॥૧॥

રાગ: ઢાળ

એમ દોટ સુખ સારુ દીધી, કીધી મોટા સુખની આશ ।

અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ॥૨॥

સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધી છે ફાળ4

જાણ્યું રીઝવી જગદીશને, પામું અભય વર તતકાળ ॥૩॥

તેહ સારુ તાવે5 છે તનને, રે’ છે મનમાં મોટી આશ ।

કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ॥૪॥

અહોનિશ6 એવો અંતરે, વરતે છે અખંડ વિચાર ।

તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર ॥૫॥

સવાસનિક નર એમ સુખ સારુ, અતિ અતિ કરે છે ઉપાય ।

મોટ્યપ ઇચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય ॥૬॥

અતિ આગ્રહે આદરી, કરે પ્રભુને પ્રસન્ન ।

પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન ॥૭॥

નિર્વાસનિક વિના નરને, સમું માગતાં સૂઝે નહિ ।

જેમ વાણાકરે7 વપુ8 વાણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ ॥૮॥

એમ નાના વિષય ના’વ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું ।

હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું9 ॥૯॥

તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ ।

નિષ્કુળાનંદ એવા નર અમર,10 પામે નહિ મોટી મીરાંથ11 ॥૧૦॥

કડવું 🏠 home