સારસિદ્ધિ
કડવું - ૩૦
મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી
જતને જાળવવાં જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી
વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં1 ॥
તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ॥૨॥
અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ॥
એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ॥૩॥
જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ॥
તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ॥૪॥
જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ॥
તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જ્યાન છે ॥૫॥
જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ॥
તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ॥૬॥
જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ॥
સોણે2 સાધ્ય3 નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ॥૭॥
તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા4 ॥
તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ॥૮॥
ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા5 ॥
જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ॥૯॥
જ્ઞાની તે જેને ગમ્ય6 હરિની, એમ સમજવું એહ સાર છે ॥
નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે ॥૧૦॥