સારસિદ્ધિ
કડવું - ૪
રાગ: ધન્યાશ્રી
જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી ।
ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ॥૧॥
રાગ: ઢાળ
ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય1 ।
ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ॥૨॥
જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહંમમતરૂપ ખાધી આંબલી ।
તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ॥૩॥
તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં2 ।
તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ॥૪॥
જેમ અમલ3 પીતાં અકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પીઉં ।
આવ્યું ડૂલપણું4 તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઇયું5 ॥૫॥
થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ગૂંચવશે ।
સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જ્યારે વસે6 ॥૬॥
જાણે પેસી ઊંડા અર્ણવમાં,7 તળે જળ પીને તરષા તજું ।
પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ॥૭॥
આઘા પગ પરઠતાં,8 હૈયે કરવો નહિ હુલાસ ।
આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ॥૮॥
તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત ।
કૈકવાર સુખ પામ્યાં વામ્યાં, લાખો લેખે લાગી લાત9 ॥૯॥
માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ ।
નિષ્કુળાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ ॥૧૦॥