સારસિદ્ધિ
કડવું - ૧૧
રાગ: ધન્યાશ્રી
ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિ વિના વા’લું નથી કોઈજી ।
અખંડ રહ્યાં છે એક હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી ॥૧॥
રાગ: ઢાળ
હરિના જન તેણે જાણિયે, જે છતી મતિયે1 ઉન્મત્ત રહ્યા ।
વિવેકી પણ વૈરાગ્ય વડ્યે, જાણતાં અજાણ થયા ॥૨॥
શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ2 છે પણ ન દેખે રૂપ ।
ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ ॥૩॥
જિહ્વા છે પણ નથી જાણતા, ષટ્રસ ખાવાની રીત ।
વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ॥૪॥
પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ ।
નાસા છે પણ નથી સૂંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ॥૫॥
મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કે’વાય ।
અતિ થયાં છે આળસુ, અસત્ય મારગ માંય ॥૬॥
વૈરાગ્યે લીધી વર્તિયો વાળીને, સમેટીને સર્વે માંયથી ।
તે રાખી હરિના રૂપમાં, તે મૂકી બીજે જાતિ નથી ॥૭॥
જે પરવરી3 ગઈતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર ।
તે વાળી પાછી આણી અંતરે, તે તો નિરવેદથી નિરધાર ॥૮॥
નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર ।
દેવ અદેવ4 ને ઋષિ રાજવી, પશુ પન્નગ5 ને નર નાર ॥૯॥
એક વૈરાગ્ય બીજી વજ્રમણિ,6 તેને તપાવી ન શકે કોઈ તાપ ।
નિષ્કુળાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણિ આપ ॥૧૦॥