સારસિદ્ધિ

પદ - ૮

રાગ - ગરબી (‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ)

સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે,

  કાચાને નાવે કેદિયે કામ રે;

જેમ સાજો જમે રે સુંદર સુખડી રે,

  માંદાને મગઉદકે1 આરામ રે... સુખ ॥૧॥

ચંદનની વાસે રે અલિ2 અલમસ્ત છે રે,

  મક્ષિકા3 દેખી રહે છે દૂર રે;

ગોળનું ગાડું રે ગીંગાને4 ગમે નહિ રે,

  જેને પ્રીત પુરીષશું5 ભરપૂર રે... સુખ ॥૨॥

કુમુદિની6 કે દી રે ન પામે સુખ સૂરથી7 રે,

  ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે;

ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે,

  કોચવાઈ ગરે તે કોતરમાંય રે... સુખ ॥૩॥

એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે,

  સંત ભજે તજે તેને અસંત રે;

નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે,

  સમજી લેવું એવું સિદ્ધાંત રે… સુખ ॥૪॥

 

કડવું - ૩૩

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી

સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી

એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ॥

કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ॥૨॥

જક્તનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ॥

રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ8 પણ ઇંદ્રામણાં9 ॥૩॥

તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ॥

જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું10 ॥૪॥

જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ॥

એમ ભવ11 સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ॥૫॥

એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ॥

મુક્તિ આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ॥૬॥

વૈરાગ્યે ચિત્ત વાસિત12 છે, ભક્તિ ભાવે ભર્યું છે ભીતર ॥

ધર્મમાં પણ દૃઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ॥૭॥

શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ॥

તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં13 ॥૮॥

તેની દૃષ્ટે તન અભિમાની, ગીડર14 નર ગમતા નથી ॥

જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ॥૯॥

તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય ॥

નિષ્કુળાનંદ તે નોખા રહે, તોય તેલને ન્યાય15 ॥૧૦॥

કડવું 🏠 home