સારસિદ્ધિ
પદ - ૧૦
રાગ – ધોળ (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)
અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક;
જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ॥૧॥
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ;
દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ॥૨॥
સાતે દૃષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય;
સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ॥૩॥
જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;
નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ॥૪॥
કડવું - ૪૧
જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી1 ગોતેજી
બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી
સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર2 ॥
પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ॥૨॥
ખગ3 મૃગ4 નર નિરજર,5 ભૂત ભૈરવ પામ્યા ભવપાર ॥
સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ॥૩॥
દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ॥
ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ॥૪॥
તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ॥
શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ॥૫॥
જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો6 નહિ ॥
એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ॥૬॥
ધર્મ રહિત ભક્ત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી7 ॥
એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ॥૭॥
તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ॥
પણ લોહ પાષાણને તર8 ઉતારે, એહ નાવમાં નહિ મણા ॥૮॥
તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ॥
પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ॥૯॥
આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ॥
નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ॥૧૦॥