સારસિદ્ધિ

પદ - ૨

રાગ: રામગ્રી

શુદ્ધ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।

માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય... શુદ્ધ ॥૧॥

નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ ।

જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ1... શુદ્ધ ॥૨॥

સકામ ભક્તની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।

જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર... શુદ્ધ ॥૩॥

શુદ્ધ વૈરાગ્ય વિના સમજો, નર નો’યે નિરાશ2

નિષ્કુળાનંદ નિષ્કામથી, રીઝે શ્રી અવિનાશ... શુદ્ધ ॥૪॥

 

કડવું - ૯

રાગ: ધન્યાશ્રી

વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું જણાણુંજી

લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન ઠેરાણુંજી ॥૧॥

રાગ: ઢાળ

ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તનસુખ ત્યાગ છે ।

સારું નરસું સરખું થયું, જેને ઉર અતિ વૈરાગ્ય છે ॥૨॥

ખાતાં ન થાયે ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે ।

સૂકું લૂખું સ્વાદું નિરસ્વાદું, ખાઈને દિન નિર્ગમે ॥૩॥

જળ દળ ફળ ફૂલ જમી, સદાયે મને રહે સુખી ।

વૈરાગ્ય જેને ઉર ઊપજે, તે સહુ વાતે રહે સુખી ॥૪॥

ફાટ્યાં તૂટ્યાં વીણી વીથીથી,3 ઘણા ચીરાની કંથા કરે ।

શીત4 ઉષ્ણ5 નિવારવા સારુ, એવી અંગે ઓઢી ફરે ॥૫॥

સૂવા ન શોધે સાથરો,6 સુંદર સુંવાળી જાગ્ય ।

સમ વિષમ સમ સમજે, જેને તનસુખનો છે ત્યાગ ॥૬॥

રાત દિવસ હૃદયા વિષે, દૃઢ રે’ છે હરિનું ધ્યાન ।

તેણે કરી નથી આવતું, અણુ ભાર અંગે અભિમાન ॥૭॥

કોઈક નંદે કોઈક વંદે, કોઈ ના’પે આપે ખાવા અન્ન ।

કોઈ ગૃદ7 પથર ગોબર8 નાખે, તોય સદા રાજી રહે મન ॥૮॥

એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર ।

વેષ લિધે વૈરાગ્યને, જાણો કેમ ધરાયે ધીર ॥૯॥

વારીવારી જાઉં એ વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી ।

નિષ્કુળાનંદ નિરવેદ જેવું, બીજું હોય તો દેખાડો કહી ॥૧૦॥

કડવું 🏠 home