સારસિદ્ધિ
પદ - ૧૨
રાગ – ધોળ (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;
ઉધારો1 ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ... ભાગ્ય ॥૧॥
અનાથપણાનું2 મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;
ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ... ભાગ્ય ॥૨॥
કંગાલપણું3 કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ;
મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં4 દુઃખ... ભાગ્ય ॥૩॥
અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;
પાંપળાં5 સર્વે પરાં6 પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત... ભાગ્ય ॥૪॥
કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;
ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ... ભાગ્ય ॥૫॥
ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;
સુખતણી સીમા શી કહું, મને મોદ7 અપાર... ભાગ્ય ॥૬॥
આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;
અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય... ભાગ્ય ॥૭॥
આજ અમૃતની એલી8 થઈ, રહી નહિ કાંઈ ખોટ;
એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ... ભાગ્ય ॥૮॥
રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ;
નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય ॥૯॥
કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;
ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ... ભાગ્ય ॥૧૦॥
ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;
નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ... ભાગ્ય ॥૧૧॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતા સારસિદ્ધિ સંપૂર્ણ ।
સારસિદ્ધિઃ સમાપ્તા