સારસિદ્ધિ

કડવું - ૩૮

સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી

ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી

પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ1 ન રહી અંગ ॥

નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ॥૨॥

શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન ॥

પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન ॥૩॥

જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર ॥

જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ॥૪॥

પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના2 હાર ॥

તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર ॥૫॥

જે પ્રગટ પ્રભુના પ્રેર્યાં થકાં, ચાલ્યાં છે જેહ ચરણ ॥

તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ॥૬॥

જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન ॥

તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન ॥૭॥

એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યાં છે પવિત્ર ॥

તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર3 ॥૮॥

એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ ॥

માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ ॥૯॥

બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ ॥

નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ બળેલ ॥૧૦॥

કડવું 🏠 home