સારસિદ્ધિ

કડવું - ૪૨

આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી

આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી

અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું ॥

ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું ॥૨॥

અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ॥

અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર ॥૩॥

પર1 પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન ॥

મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન ॥૪॥

સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ ॥

પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ ॥૫॥

પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર ॥

એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર ॥૬॥

ષટ ઊર્મિ2 ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ ॥

એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ॥૭॥

ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ ॥

આડ્ય3 રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ ॥૮॥

એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ ॥

અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ ॥૯॥

અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે ॥

નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ॥૧૦॥

કડવું 🏠 home