સારસિદ્ધિ

કડવું - ૧૦

રાગ: ધન્યાશ્રી

વળી વૈરાગ્યવંતને જાઉં વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી કર્યા કારણેજી ।

દેહ પર્યંત રહ્યા એક ધારણેજી,1 અહંતા મમતા કાઢી જેણે બારણેજી ॥૧॥

રાગ: ઢાળ

બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધી વાતને સમજ્યા સહી ।

આપે મનાણું આતમા, કહ્યું કલેવર2 હું કેદી નહિ ॥૨॥

જડ ચૈતન્ય જાણ્યાં જૂજવાં, ચૈતન્ય આપે ચોક્કસ કર્યું ।

તેહ વિના ત્રિગુણે રચિત, તે પરથી મન ઊતર્યું ॥૩॥

તેહ દેશે પ્રદેશે પરવરે,3 કરે ઘર પરનું કામ ।

ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ ॥૪॥

જેમ પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય ।

તે સુતાં બેઠાં જાગતાં, ભૂલ્યે પણ બીજું ન મનાય ॥૫॥

નારી નર નપુંસકપણું, વળી વીસરે નહિ કોઈ વિધ ।

તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ ॥૬॥

એવી વિગતી થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ ।

રાત દિવસની રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ ॥૭॥

સત્ય નિત્ય એક નિજ આતમા, અસત્ય દેહાદિક આદ4

તેમાં નાનાં મોટાં કેને કહિયે, એ તો સર્વે સરખી ઊંટ લાદ5 ॥૮॥

એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર ।

કેને વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર ॥૯॥

વખાણે તો વખાણે વળી, વિશેષે વૈરાગ્યવંતને ।

નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજે છે ભગવંતને ॥૧૦॥

 

 

નિરૂપણ

સારમાં સાર મૂર્તિની સિદ્ધિ

વહેલી સવારે સ્વામીશ્રી નિષ્કુળાનંદ કાવ્યમાંથી જુદાં જુદાં પ્રકરણોનું વાચન કરાવી નિરૂપણ કરતા. હમણાં ‘સારસિદ્ધિ’ની કથા ચાલતી હતી. તેમાં આવ્યું:

‘વળી વૈરાગ્યવંતને જાઉં વારણેજી, ત્યાગ્યાં હરિ રાજી કર્યા કારણેજી;

દેહ પર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા-મમતા કાઢી જેણે બારણેજી.’

સ્વામીશ્રી કહે, “વૈરાગ્યવાન ઉપર શરીર નાખી દઉં. વૈરાગ્યવાળાને સ્વામી અભિનંદન આપે છે. દેહને હાલોપોલો રાખવો, તેમાં જ બધાને તાન છે. ઘડીક વૈરાગ્ય ને ઘડીક ખાઈ-પી લેવું, તે વૈરાગ્ય નહીં. દેહપર્યંત એક રહેણી જોઈએ. ‘હું આત્મા છું, અક્ષર છું, આ ક્લેવર-દેહ તે હું નહીં. દેહ નાશવંત, તુચ્છ અને નમાલો છે.’ એમ દેહ ને આત્માને જુદા પાડ્યા.

“આમાં પ્રશ્ન એમ નીકળે છે કે આત્મારૂપ કેમ માનવું? અને પોતાને તેની ખબર કેમ પડે? કારણ કે મનાયે થોડું આત્મારૂપ થઈ જવાય છે? કોઈ કહે, ‘તમે બહુ મોટા.’ તો આ શબ્દ તરત લાગ્યો. આપણને સારું લાગ્યું. કોઈ આપણું અપમાન કરે ત્યારે ઝાંખપ મનમાં આવે, એ શબ્દ લાગ્યો કહેવાય. પરંતુ બંનેમાં સમભાવ રહે તે આત્માપણું. કથનમાત્ર આત્મારૂપ થયો હોય તે પ્રસંગે ફસકી જાય. જાતનો આત્મા થયો હોય તે ભૂલે નહીં. માટે સમાગમ કરી લેવો. ઘમાઘમ ન કરવો. વિચારમાં રહીએ, ઝોલાં આવે, તે બધું ઘમાઘમ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૩૦૭]

કડવું 🏠 home