સારસિદ્ધિ

પદ - ૭

રાગ – ગરબી (‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ)

ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે,

  રાખજો જન કરી જતન રે;

ધર્મ ધારીને રે સંત સુખી થયા રે,

  વાલપે વરત્યા હરિને વચન રે… ધર્મ ॥૧॥

વચન વિના રે ધોખે1 નથી ધારતા રે,

  માનતા નથી કેવળ2 ધર્મમાંહી માલ રે;

બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં3 રે,

  લાગે જંબુકને4 મન લાલ રે... ધર્મ ॥૨॥

એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે,

  મેલી છે મનથી ઉતારી વાત રે;

રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે,

  સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે... ધર્મ ॥૩॥

શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે,

  વળગી રહ્યા છે વચન માંઈ રે;

નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે,

  કરવું ન રહ્યું તેને કાંઈ રે… ધર્મ ॥૪॥

 

કડવું - ૨૯

ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી

ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી

એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું ॥

મહા મોંઘો મેળાપ જેનો, ક્યાંથી થાયે સર્વેને શિરતાજનું5 ॥૨॥

નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું ॥

પ્રકૃતિ પુરુષથી પરા6 રહ્યા, ક્યાંથી મળવું થાય તેને આપણું ॥૩॥

સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર ॥

ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર ॥૪॥

તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન ॥

એવા પ્રભુનાં આપણે, કહો ક્યાંથી મળે વચન ॥૫॥

મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય ॥

એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ॥૬॥

તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન ॥

તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન ॥૭॥

જેમ મોરપત્ની બિંદુ7 આવતાં, રત્યે8 લિયે છે રસે ભરેલડાં ॥

તેનો મયૂર થાય તદવત,9 થાય પડતાં બિંદુના ઢેલડાં ॥૮॥

તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ ॥

તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ ॥૯॥

સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ ॥

નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ ॥૧૦॥

કડવું 🏠 home