સારસિદ્ધિ
કડવું - ૩૬
કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી1
આવે અવસરે જે વરતે છે અનાડીજી,2 તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી
દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ॥
જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ॥૨॥
જેમ નર્તક3 નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ॥
તેને જાણે છે જે યોષિતા,4 એ વાત બંધ કેમ બેસશે ॥૩॥
વૈરાગ્યહીન ભક્તિહીન, અને ધર્મ તો ધરથી5 નથી ॥
તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ॥૪॥
ઝાઝું કે’તાં જોખો6 ઊપજે, તેને કે’વું તે કળે કળે ॥
સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ॥૫॥
જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ॥
તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ॥૬॥
જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ॥
તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ॥૭॥
જેમ સાવજનું સાધુપણું, મર્કટ7 મુખે લીધા લગે ॥
તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ॥૮॥
એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ॥
જેમ વ્યાઘ્ર લોટે8 ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ॥૯॥
ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ॥
નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ ॥૧૦॥