સારસિદ્ધિ

કડવું - ૨૮

પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી

તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી

ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર ॥

સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ॥૨॥

આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું ॥

તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું ॥૩॥

જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને1

કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ॥૪॥

બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી ॥

ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી ॥૫॥

બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય2 કહે તો રે’વું મુન્ય ॥

આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય ॥૬॥

જેણે વચનમાં રે’વાનું દૃઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા ॥

તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી3 પળા4 ॥૭॥

શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી ॥

એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ॥૮॥

ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે ॥

પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે ॥૯॥

હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં ॥

નિષ્કુળાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં ॥૧૦॥

કડવું 🏠 home