સારસિદ્ધિ
કડવું - ૩૨
જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી
નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી
સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ॥
જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ॥૨॥
કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત1 ॥
પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત2 ॥૩॥
અર્કમણિ3 કે કહું ઇંદુમણિ,4 ઘણી ઉપમા દઉ અમૃતની ॥
જે જે કહું તે જોખે5 ભર્યાં, આપું ઉપમા કૈ પ્રતની6 ॥૪॥
જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ॥
રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ॥૫॥
જેમ પંચાનનીપય7 રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ॥
એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ॥૬॥
જેમ જગજીવનના8 જળ જાણો, નથી રે’તું ખાંમા9 વિના ખમી ॥
તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ॥૭॥
જેમ સુગંધી રહી છે શ્રીખંડ10 માંય, રહ્યો ઇક્ષુ11 માંહિ જેમ રસ ॥
તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ॥૮॥
જેમ ચમક12 ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ॥
તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ॥૯॥
એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ॥
નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય સુખિયા એ સુખે કરી ॥૧૦॥