સારસિદ્ધિ
કડવું - ૧૮
રાગ: ધન્યાશ્રી
બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઈ સંપત્તિજી ।
તે તો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી ॥૧॥
રાગ: ઢાળ
રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર ।
સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ॥૨॥
જેમ રતનાકારમાં1 રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં ।
પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં ॥૩॥
સિંધુ તીરે શે’ર વસે છે, બીજાં પણ બહુ ગામ ।
તે લૂણ2 શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પૂછે નામ ॥ ૪॥
રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી ।
માટે સહુ કોઈએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી ॥૫॥
પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ ।
તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ ॥૬॥
નિષ્કામ વિના નિરવેદનિધિ, રુચતી નથી રતિભાર ।
સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર3 ॥૭॥
તે તો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત ।
સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ॥૮॥
વૈરાગ્ય અંતરેથી જો ઊતરે, તો ડોકાં કાઢી રહ્યાં છે દુઃખ ।
આવે ધાઈ4 તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ॥૯॥
માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રૂડી રીત ।
નિષ્કુળાનંદ એ નરની, તો જરૂર જાણો થાયે જીત ॥૧૦॥