સારસિદ્ધિ

પદ - ૩

રાગ: રામગ્રી

વા’લીનિધિ1 તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર ।

તે વિના સર્વે તપાસિયું, રાખે હરિથી દૂર... વા’લી૦ ॥૧॥

અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય ।

તો તન અભિમાન ટળે નહિ, પાળ્યા પય2 પાઈ નાગ... વા’લી૦ ॥૨॥

કુરકટ3 ફલને જળે વળી, મળ માંયેથી જાય ।

તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પીતાં રોગ પળાય4... વા’લી૦ ॥૩॥

ખોળીખોળી ખરું કરી, વખાણિયે વૈરાગ્ય ।

નિષ્કુળાનંદ જેને ઉપજ્યો, તેનાં જાગિયાં ભાગ્ય... વા’લી૦ ॥૪॥ પદ ॥૩॥

 

કડવું - ૧૩

રાગ: ધન્યાશ્રી

તીવ્રવૈરાગ્યની ધાર છે તીખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી।

કાળજ કંપે છે દિશ5 એની દેખીજી, મોટપ એની નથી જતી લેખીજી6 ॥૧॥

રાગ: ઢાળ

લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ ।

વણ અંગે એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ॥૨॥

પણ જેના પંડ્યમાં એ પ્રગટે, રટે નિરંતર તે રામ ।

અંતર ઊંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ॥૩॥

વસ્તી વન ભુવનનું, ભીતર રહ્યું નથી ભાન ।

વીસરી ગઈ છે વાત બીજી, રે’તાં મૂર્તિમાં ગુલતાન ॥૪॥

વર્ણ આશ્રમ જાતનું, નથી જાણપણું જરાય ।

નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ॥૫॥

કવિ કોવિદ7 પંડિતપણું, પરઠતાં પણ પરઠાય નહિ ।

તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક હરિમૂર્તિમાં રહી ॥૬॥

હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરું ।

હરિ મૂર્તિમાં વૃત્તિ વળગી, તેણે વીસરી ગયું પરું8 ॥૭॥

જેમ ચઢે ઊંચે કોઈ અંબરે, તે તો ભૂમિઆકાર ભાળે નહિ ।

તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ॥૮॥

જે વસ્તુતાએ વસ્તુ નથી, તે વસ્તુ કેવી કે’વાય ।

એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય ॥૯॥

તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું ।

નિષ્કુળાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યે પણ નથી ભાવતું ॥૧૦॥

કડવું 🏠 home