સારસિદ્ધિ

પદ - ૫

રાગ: ગરબી

સગ્ય1 ચડિ જાયે રે શુદ્ધ વૈરાગ્યથી રે,

  શું કહું બૃહત વૈરાગ્યની વડાઈ રે ।

તીવ્ર વૈરાગ્ય રે તે વડ્યે તનમાં રે,

  કસર રે’વા ન દિયે કાંઈ રે... સગ્ય૦ ॥૧॥

તીવ્ર વૈરાગ્ય રે તીખી તરવાર છે,

  અતિશે સજેલ આકરી ધાર રે ।

અડતામાં કરે રે સરવે વેગળું રે,

  લેશ ન રે’વા દિયે સંસાર રે.... સગ્ય૦ ॥૨॥

એક હરિ વિનારે કરે બીજું અળગું રે,

  તેની ઘણી લાગે નહિ વળી વાર રે ।

એવો ઉપાયરે અવર એકે નથી રે,

  શું કહિયે વર્ણવી એહની હાર2 રે... સગ્ય૦ ॥૩॥

અતિ મોટે ભાગ્યે રે જાગે એહ અંતરે રે,

  જેને હોયે પૂરણ પુણ્યનો જોગ રે ।

નિષ્કુળાનંદ રે કહે તેના મનમાં રે,

  રે’વા ન દિયે રતિયે રોગ3 રે... સગ્ય૦ ॥૪॥

 

કડવું - ર૧

રાગ: ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુ વિધિજી, અતિશય મોટ્યપ એહની કિધિ જી ।

પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ॥૧॥

રાગ: ઢાળ

પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ4

સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ॥૨॥

જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ ।

જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ॥૩॥

તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો5 વળી ।

તેહ પોં’ચાડે હરિ હજૂરમાં, મુખોમુખ દિયે મેળવી ॥૪॥

પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં ।

મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ॥૫॥

કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ ।

સુંદર સાકાર મૂરતિ, અતિ રૂપાળી રૂડી રમ્ય ॥૬॥

તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય ।

બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ॥૭॥

ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભીંતર મોઝાર ।

સર્વે પ્રકારે સમજે, ભક્તિ સારમાં સાર ॥૮॥

ભક્તિએ કરી હરિ રીઝવે, રીઝે સુખદ શ્રી મહારાજ ।

ત્યારે ખામી રતી પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ॥૯॥

ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર ।

નિષ્કુળાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ॥૧૦॥

કડવું 🏠 home