સારસિદ્ધિ
કડવું - ૨૨
રાગ: ધન્યાશ્રી
જરૂર હરિ રીઝવવા માટજી, ભક્તિ કરવી તે શીશને સાટજી ।
તેહ વિના વાત તે ન બેસે ઘાટજી,1 સમજી વિચારી લેવી એ વાટજી2 ॥૧॥
રાગ: ઢાળ
સમજી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી ।
ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ॥૨॥
ભક્તિ કરવી ભગવાનની, સમા પર રહી સાવધાન ।
સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરે છે જ્યાન3 ॥૩॥
સમે સેવીને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ ।
તે સમો મનમાં સમજી, રે’વું હરિ હજુર કરભામ4 ॥૪॥
સમે સામું જોઈ રે’વું શ્યામને, જોવી કર નયણણી સાન5 ।
સમા પર તતપર થઈ, કરવી ભક્તિ તે નિદાન6 ॥૫॥
એક પગ ભર ઊભાં આગળે, હાથ જોડીને રે’વું હજૂર ।
જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ॥૬॥
વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ ।
અન્ય ભરોંસો અળગો કરી, થઈ રે’વું હરિના વેચાણ ॥૭॥
ભક્ત તે જ જે ભક્તિ કરે, જોઈ મરજી જગદીશની ।
મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમજો શિષ્યની ॥૮॥
મોટે ભાગ્યે ભેટે7 ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની8 ।
તેહ વિનાની જે ભગતિ, તે તો મત મમતના તાણની ॥૯॥
કરિયે તો કરિયે સમજી, પ્રગટ પ્રભુજીની ભગતિ ।
નિષ્કુળાનંદ કહે તે વિના, નથી નરને કોઈ પ્રાપતિ ॥૧૦॥