સારસિદ્ધિ

કડવું - ૪૩

વારીવારી જાઉં વાલમજી મારાજી, આજ શોભ્યા છો સૌથી સારાજી

પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના દેનારાજી

સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ ॥

મહા સુખમય મૂર્તિ ધરી, કર્યાં અનેક જનનાં કાજ ॥૨॥

આગે મત્સ્ય કચ્છ વારાહ વપુ, થયા નરહરિ રૂપે નાથ ॥

કર્યાં કારજ નિજ જનનાં, પણ સેવી સુખી ન થયો જનસાથ1 ॥૩॥

વામન રૂપને ધરી હરિ, કર્યું બળિ રાજાનું કામ ॥

એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી હામ ॥૪॥

પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ2 રહિત ભૂમિકા ॥

તેને પણ સત્ત્વગુણી સંત, સેવી સુખ નવ લઈ શક્યા ॥૫॥

રામ પ્રભુ તે રાજા થયા, તેને ગરીબ કેમ પૂજી શકે ॥

દુર્બળ જાયે કોઈ દર્શને, તો દ્વારપાળ મારે ધકે ॥૬॥

કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કર્યાં અનેક જીવનાં કાજ ॥

પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ॥૭॥

બુદ્ધ શુદ્ધ બોધ દેઈને, તાર્યા જીવ અનંત અપાર ॥

કલકી ભાર ઉતારવાને, હરિ હવે લેશે અવતાર ॥૮॥

એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના ભાખિયા ॥

પણ આજ સંતને સુખ આપતાં, કોઈ રીતે ઊણા3 ન રાખિયા ॥૯॥

અનેક પ્રકારે આશ્રિત જનને, આપ્યો અખંડ આનંદ ॥

નિષ્કુળાનંદ સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ॥૧૦॥

કડવું 🏠 home