સારસિદ્ધિ
કડવું - ૩૫
અતોળ1 રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી2
તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી
નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની ॥
તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની3 ॥૨॥
દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો ॥
જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો ॥૩॥
શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ ॥
પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ4 ॥૪॥
અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી ॥
કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ॥૫॥
તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત ॥
એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ॥૬॥
ગોળ તજી ખાય છે ખોળને, તૂપ5 તજી ખાય છે તેલ ॥
તે પણ કો’યલ કણઝીતણું,6 ભૂંડી ગંધે દુઃખનું ભરેલ ॥૭॥
એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ ॥
તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ ॥૮॥
ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો ॥
ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે7 વળગો ॥૯॥
એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એકએકથી ॥
નિષ્કુળાનંદ કહે એ નથી છાનું, કે’વરાવો છો શું કથી ॥૧૦॥