ધીરજાખ્યાન
કડવું – ૧૧
વળી પ્રહલાદની કહું સુણો વાતજી, તેહ પર કોપિયો તેનો તાતજી
ઊઠ્યો લઈ ખડગ1 કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી
ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહલાદ ક્યાં ગયો ॥
દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો ॥૨॥
પ્રહલાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ ॥
હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ ॥૩॥
અરેરે એવું બોલ્ય મા તું, વળી કહે ઠરાવીને ઠીક ॥
તું ને તારા રાખનારની જો, મારે નથી હૈયામાં બીક ॥૪॥
એમ કહીને જો કાઢિયું, તીખું ખડગ તે વાર ॥
ઘાંઘો2 થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહલાદ લગાર ॥૫॥
કરડે દાંત ક્રોધે કરી, વળી બોલે વસમાં વેણ ॥
રીસે કરી રાતાં થયાં, મહા પાપીનાં બે નેણ ॥૬॥
પછી પ્રહલાદે પ્રકાશિયું, જોઈ અસુરનો આરંભ ॥
કહ્યું છે આ કાષ્ઠમાં, સ્થિર રહ્યા છે થઈ સ્થંભ ॥૭॥
ઠરાવ્યા જ્યારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઈ કરવાલ3 ॥
ઠીકોઠીક મારી સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ4 ॥૮॥
પછી માગ્યું હતું જેમ મોતને, તેમાં તે બાધ આવે નહિ ॥
તેમ જ તેને મારિયો, નરસિંહજી પ્રગટ થઈ ॥૯॥
હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ5 ॥
નિષ્કુળાનંદ કહે તેણે કરી, સહુ સુખી છૈયે આપણ ॥૧૦॥