ધીરજાખ્યાન
પદ – ૩
રાગ: રામગરી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી;
લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભક્ત ॥૧॥
અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય;1
પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભક્ત ॥૨॥
પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે;
દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભક્ત ॥૩॥
ક્ષમા ઘણી ક્ષોભે2 નહિ, સુખ દુઃખને સહે;
નિષ્કુળાનંદ એવા ભક્તથી, હરિ દૂર ન રહે. ભક્ત ॥૪॥