ધીરજાખ્યાન
કડવું – ૧૭
હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઇયેજી
એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી
પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર ॥
કાચા1 સાચા સુખને, નવ પામે નિરધાર ॥૨॥
અજાર2 ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી ॥
એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત હું શું કહું કથી ॥૩॥
વાંછના3 વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય ॥
ભાળી એવા ભક્તને, કહો કેની કરે હરિ સા’ય ॥૪॥
માટે ભક્ત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન ॥
જેહ જેવી ભક્તિ કરે, તેવું ફળ પામે નિદાન ॥૫॥
વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની આશ ॥
એહ વાત નથી નીપજવી,4 તેહનો તે કરવો તપાસ ॥૬॥
કરી લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ5 ॥
તે સમઝું કેમ સમઝશે, કાષ્ટ પિષ્ટ6 મિષ્ટ સમ તૂલ7 ॥૭॥
ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારવી એહ વાત ॥
ભક્તિ કરી મો’રે ભગતે, તેવી કરવી વિખ્યાત ॥૮॥
છાર8 સારનો9 ભાર સરખો, તપાસી તે ઉપાડવો ॥
સારમાં બહુ સુખ મળે, છાર ઢોયે10 પરિશ્રમ પાડવો ॥૯॥
માટે સાચા થઈ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી ॥
નિષ્કુળાનંદ કહે નાથજી, રીઝશે તો શ્રીહરિ ॥૧૦॥