ધીરજાખ્યાન
કડવું – ૫૮
વળી કહું એક શિલોંચ્છવૃત્તિધારીજી,1 વીણે એક કણકણ ધર્મ વિચારીજી
ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી2
ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ3 શેર જુગલ4 ॥
ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ ॥૨॥
આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન ॥
ત્યારે ઋષિએ આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન ॥૩॥
પછી આપ્યું ઋષિપત્નીએ, આપ્યું ઋષિસુતે કરી પ્યાર ॥
પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર ॥૪॥
અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ આશ ॥
તોય ચારે રાજી રહ્યાં, વળી કોઈ ન થયાં ઉદાસ ॥૫॥
આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું5 ધોયેલ કર ચર્ણનું ॥
તેમાં આળોટ્યો આવી નોળિયો, થયું અર્ધુ અંગ સુવર્ણનું ॥૬॥
એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા વૃષભ6 વળી ॥
રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી ॥૭॥
ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ ॥
ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ ॥૮॥
એમ સમે આવી કોઈ અન્ન જાચે,7 વળી હોયે ક્ષુધાએ આતુર ॥
પોં’ચ્ય પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર ॥૯॥
અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી ॥
નિષ્કુળાનંદ હરિજનની, એવી રીત જોઈએ નહિ ॥૧૦॥