ધીરજાખ્યાન
કડવું – ૩
શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી1
સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી2
કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ॥
દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ॥૨॥
વણ તોળી3 વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ॥
સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ॥૩॥
તેમાં કાયરતા કોરે કરી,4 હૈયે હિંમત રૂડી રાખવી ॥
મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ॥૪॥
જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ॥
તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ5 ॥૫॥
ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ॥
અલ્પ દુઃખે અણોસરો,6 રાત દિવસ રહે હૃદયામાંય ॥૬॥
મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ॥
ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ॥૭॥
શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ॥
શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ॥૮॥
સંકટના સમૂહ માંહી, દિલે દીનતા7 આણે નહિ ॥
ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ॥૯॥
ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ॥
નિષ્કુળાનંદ એ ભક્ત કહિયે, નારાયણના નિષ્કામ ॥૧૦॥