ધીરજાખ્યાન
કડવું – ૪૩
વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી
રાત દિવસ રહે દુઃખ અમટજી,1 ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી2
દુરઘટ દેખી અટવી3 એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત ॥
તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત ॥૨॥
ઘણા ગોખરું કાંટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાં નીર4 ॥
આવી સ્પર્શે એ અંગમાં, તેણે સૂજી જાય છે શરીર ॥૩॥
પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર ॥
સહ્યા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર ॥૪॥
નિશામાંહી નિશાચર5 ફરે, હરે પશુ પંખીના પ્રાણ ॥
એવા વનમાં દંપતી અતિ, નિઃશંક ફરે નિરવાણ ॥૫॥
ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હમેશ ॥
તોય સંભારે નહિ સુખ રાજ્યનું, હૈયામાંહી લવલેશ ॥૬॥
જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન ॥
એમ વનમાંય વિચરે, રાત દિન રાણી ને રાજન ॥૭॥
એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર ॥
જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નીસરે તે વાર ॥૮॥
એમ દિન કંઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર ॥
રાણી ખાણી સર્વે દુઃખની, 6 માટે તજી દઉં નિરધાર ॥૯॥
પછી અર્ધું અંબર લઈ અર્ધ રાતે, ચાલી નીસર્યા નળ વળી નરેશ ॥
નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પૂરણ ક્લેશ ॥૧૦॥