ધીરજાખ્યાન
પદ – ૧૪
રાગ: કડખો (‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ)
સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં... સાચા
ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.... સાચા ॥૧॥
હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે;
જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે... સાચા ॥૨॥
કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં1 વળી હસતાં હોયે;
રોતાં ધોતાં પોતાં2 પે’રતાં પરખિયે, છતાં વક્તાં જાણો સુખદ સોયે... સાચા ॥૩॥
જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી;
અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી... સાચા ॥૪॥