ધીરજાખ્યાન
કડવું – ૪૮
એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી
પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી
ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક ॥
ધન્ય ધન્ય એની ભક્તિ, ધન્ય ધન્ય એહની ટેક ॥૨॥
એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન ॥
જ્યાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન ॥૩॥
જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ ॥
ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ ॥૪॥
જેમ બેસે કોઈ જા’જમાં,1 હોય ઊંડા અર્ણવમાંય2 ॥
ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય ॥૫॥
કર્યા કેશરિયાં3 શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ ॥
ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ ॥૬॥
શૂરા દેખી દૃગે શત્રુને, કરે દૃગે કરી ઘણું ઘાય4 ॥
હરિજનને અરિ5 ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય ॥૭॥
કામ ક્રોધ લોભ કહીએ, એ અતિશે ઝીણા અરિ ॥
આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી ॥૮॥
અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન ॥
તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન ॥૯॥
ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર ॥
નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દૃઢતા અતિ ધીર ॥૧૦॥