ધીરજાખ્યાન
કડવું – ૬
ત્યારે પ્રહલાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી
એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી1
અધ્યારુ શંડામર્ક2 જે, તેને કહે છે એમ ભૂપાળ ॥
ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ ॥૨॥
પ્રહલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક3 ॥
તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક ॥૩॥
ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઈ એ નહિ આપણું કામ ॥
એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ॥૪॥
ત્યારે પ્રહલાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન ॥
મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ॥૫॥
ત્યારે શંડામર્ક એમ સમઝ્યા, છે આ વાતમાં વિવાદ ॥
એમ કહી ઉપેક્ષા કરી,4 ત્યારે કહે છે બાળકોને પ્રહ્લાદ ॥૬॥
મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર5 ॥
ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર6 ॥૭॥
જેને ભજ્યે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય ॥
તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય ॥૮॥
અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ ॥
તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ॥૯॥
ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું ॥
નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું ॥૧૦॥