ધીરજાખ્યાન
કડવું – ૫૨
વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી
આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી
અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ॥
જ્યાં જ્યાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ ॥૨॥
એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર ॥
દીઠા સામટા1 સહસ્ર દશ,2 દક્ષ પ્રજાપતિના કુંવર ॥૩॥
તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ ॥
તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ ॥૪॥
ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂક્યાં એહ સ્થાન ॥
તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન ॥૫॥
તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ ॥
મુહૂર્ત3 ઉપર તમે જ્યાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ ॥૬॥
આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ ॥
એહના જેવો આગ્રહ, હરિજનને જોઈએ હંમેશ ॥૭॥
કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું ॥
કાઢી લેવો કાળમુખથી, એવો ઉપકાર કરવો ઘણું ॥૮॥
ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે ॥
કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે4 ॥૯॥
આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત ॥
નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત ॥૧૦॥