ધીરજાખ્યાન
પદ – ૨
રાગ: રામગરી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
પદાતિ1 કહે પે’લવાનને,2 હુકમ કર્યો છે રાયે;
ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ॥૧॥
ત્યારે માવતે3 વાત માની મને, બાંધ્યા હાથીને પગે;
તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ ॥૨॥
ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં;
તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ॥૩॥
શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર;
નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ॥૪॥