ધીરજાખ્યાન
કડવું – ૧૩
વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી
સુનીતિને ઉદર આવ્યા જહિયેજી,1 જનમી ઉરમાં વિચારિયું તહિયેજી
ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ ॥
એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ ॥૨॥
આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટ એહ પરિયાણની2 ॥
અપર માયે3 પણ એમ જ કહ્યું, થઈ દૃઢ મતિ સુજાણની ॥૩॥
જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ ॥
તેને સિંધુ4 સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ ॥૪॥
તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ ॥
રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ ॥૫॥
અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે ॥
તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય5 રે ॥૬॥
અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે ॥
એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે ॥૭॥
અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર ॥
ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર ॥૮॥
મરીચિ જળે6 મળ7 ટાળવા, મનસૂબો કરે છે મનમાંય ॥
પણ જાણતા નથી રીત ઝાંઝુની,8 એહ અર્થ ન આવે કાંય ॥૯॥
એવું દૃઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ॥
નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ॥૧૦॥