ધીરજાખ્યાન
કડવું – ૪૬
વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી
તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી
રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર ॥
આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા1 તે વાર ॥૨॥
ત્યારે વિભીષણ કહે રખવાળને,2 જઈ કહો રામજીને વાત ॥
ભક્ત તમારો નામ વિભીષણ, આવ્યો છે રાવણનો ભ્રાત ॥૩॥
ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ કહે સુણ્ય દાસ ॥
આવે તો આવે સમ ખાઈને, વણ સમે નહિ વિશ્વાસ ॥૪॥
ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુધા3 સાચા સમ ॥
તો તેડી જાઈએ પ્રભુ પાસળે, નહિ તો જાવાનું છે વિષમ ॥૫॥
ત્યારે વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ4 અન્ન ધન ॥
આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન ॥૬॥
તે સેવકે સુણાવ્યું શ્રીરામને, સુણી તર્ત તેડાવિયા પાસ ॥
ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ ॥૭॥
સુત કલત્ર5 કારણે, સુર અસુર નર ઇચ્છે ઘણું ॥
રાજ્ય ધનરૂપે સહુએ સુખ માન્યું છે, તે તે બંધન જાણ્યું આપણું ॥૮॥
એમ કહી વિભીષણને, રાજી થયા શ્રીરામ ॥
ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારી સમને ઠામ ॥૯॥
એમ નર નિર્જરનાં, જેને સુખ સ્વપ્નાને તૂલ્ય ॥
નિષ્કુળાનંદ કહે એ ભક્ત હરિના, અતિ મોટા અમૂલ્ય ॥૧૦॥