ધીરજાખ્યાન
કડવું – ૫૪
વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી
કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યાં વનવિહંગ1 ઘણી સુઘરિયો2 મળીજી
સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર ॥
ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર ॥૨॥
અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય ॥
જાણે પંખીને પીડા ઊપજશે, એવી દયા ઘણી દિલમાંય ॥૩॥
ચારે દિશે જાય ચણ્ય3 સારું, વળી આવી રહે ત્યાં રાત ॥
પછી ઈંડા મટી ઈંડજ થયાં, ગયાં ઊડી પ્રભાત ॥૪॥
તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ ॥
પાછાં ન આવ્યાં પંખી જ્યારે, ત્યારે તજ્યો મન ઉચ્ચાટ ॥૫॥
એના જેવી દયા દિલમાં, રાખવી અતિ ધરી ધીર ॥
ઝીણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર ॥૬॥
આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ ॥
તો ભાવે કરી ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ ॥૭॥
અલ્પ જીવ ઉપર વળી, રાખવો નહિ રોષ એક રતિ ॥
સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ ॥૮॥
પરને પીડા કહું કરવી, એ તો કામ છે કસાઈનું ॥
સર્વેને સુખ થાવા ઇચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાયીનું ॥૯॥
એહ મત ખરો હરિભક્તનો, નવ પીડવા પ્રાણધારીને ॥
નિષ્કુળાનંદનો નાથજી રીઝે, એવું કરવું વિચારીને ॥૧૦॥